Abdul hafiz lakhani Gandhinagar
CAA એમેન્ડમેન્ટ બિલના પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતાં દરીયાપુરના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે વાંધા સાથે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, લોકસભાની અંદર ગૃહમંત્રી જાહેરાત કરે છે કે દેશની અંદર એનઆરસી લાગુ કરવામાં આવશે. પહેલાં સીએએ એકટ બનાવવામાં આવશે અને પછી એનઆરસી લાગુ કરવામાં આવશે. પછી વડાપ્રધાનશ્રી જાહેરસભાની અંદર કહે છે કે એનઆરસી બાબતે કોઈ ચર્ચા થઈ નથી એટલે લોકોની અંદર જે ભ્રમણા ઉભી થઈ છે તે એ છે કે જયારે લોકો સીએએ અને એનઆરસીને સાથે જોડીને જુએ છે ત્યારે તેમની અંદર ભય ઉત્પન્ન થાય છે. સીએએ બાબતે નહેરૂજી અને ગાંધીજી સહિતના લોકોએ કહયું હતું કે, પાકિસ્તાનની અંદર આપણાં હિન્દુ ભાઈઓ છે. એ વાત સાથે અમે સંમત છીએ કે પાકિસ્તાનની અંદર ધર્મના આધારે હિન્દુઓ ઉપર અત્યાચાર થતો હોય તો તેમને આપણે પાછાં લેવા જોઈએ તેમાં કોઈને વાંધો હોઈ જ ન શકે.
શ્રી ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન એ આંતકવાદી દેશ છે, પાકિસ્તાન ખાડે ગયેલો દેશ છે, પાકિસ્તાનમાં જંગલરાજ છે અને તેનાથી વધુ કે પાકિસ્તાનને પાકિસ્તાન નહીં નાપાક પાકિસ્તાન કહું છું. પાકિસ્તાનના પાપથી ત્યાંની લઘુમતિઓને પરેશાની થાય છે પણ ભારતમાં રહેતા લઘુમતિ સમાજને પણ નુકશાન થાય છે એટલે અમે પાકિસ્તાનીઓને પણ કહીએ છીએ કે ગમે ત્યારે તમે અમારી તરફેણમાં વાત ના કરો. અમારે ભાજપની સહાનુભુતિની જરૂર નથી તમે દેશના નાગરીકોનું સાચી દિશામાં કામ કરો તે જ કાફી છે.
સીએએ બાબતે લોકોની અંદર જે ચિંતા છે તે વ્યકત કરતાં શ્રી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, માનો કે મુખ્યમંત્રીશ્રી તેમના ડોકયુમેન્ટ રજૂ કરે અને તે હિંદુ સમાજમાંથી આવે છે એટલે તેમના ડોકયુમેન્ટના આધારે નાગરીકતા મળી જવાની. હું મુસ્લિમ છું અને મારી પાસે કદાચ કોઈક પુરાવાનો અભાવ હશે તો મને એનઆરસીના લીધે નાગરીકતા મળશે નહીં, જે ગેરબંધારણીય છે. આપણાં બંધારણના આમુખનો આ બિલોના લીધે ઉલ્લંઘન થાય છે. નાગરીકો એનઆરસીને સીએએ સાથે જોડીને જોઈ રહયા છે ત્યારે આવી સમસ્યા ઉભી થવાનો ભય છે.
શ્રી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, આપણો દેશ વિશ્વની મહાસત્તા બનવા જઈ રહયો છે, દેશની અંદર શાંતિ, સલામતી અને ભાઈચારાનો માહોલ છે તે માહોલ બગડે નહીં તે માટે આવા મુદ્દાઓ ઉભા ન કરવા જોઈએ કે જેનાથી દેશની અંદર દ્વેષ થાય, એકબીજી જાતિના લોકો સામસામે આવે, શાંતિથી જે રીતે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ અને ‘સબ કા વિશ્વાસ’ની જે વાત કરી છે તેનો અમલ કરવો જોઈએ જેથી લોકોને વિશ્વાસ થાય. પરંતુ આજે દેશની અંદર ફકત હિન્દુ-મુસ્લીમો પુરતો વાંધો નથી, બીજા ગરીબ સમાજોને જોઈએ, અનુસૂચિત જાતિને જોઈએ તેમ તમામ સમાજના લોકો અત્યારે ભયમાં છે અને આંદોલનમાં જોડાયા છે. આ આંદોલનો ફકત મુસ્લીમોએ નથી કર્યા, આ ભય જે લોકોમાં છે તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જેમની પાસે પૂરતાં પુરાવા નથી એ લોકોને ઘણી પરેશાની છે, તેનાથી ઘણા પ્રોબ્લેમ ઉભા થવાના છે.
શ્રી ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરતાં અપીલ કરી હતી કે, એનઆરસી ગુજરાતમાં લાગુ કરવામાં નહીં આવે તેવી જાહેરાત મુખ્યમંત્રીશ્રી કરે એટલે આ પ્રોબ્લેમ અહીં જ પુરો થઈ જાય. તેના જવાબમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશનો માહોલ, ભાઈચારો, શાંતિ અને બધાંનો પરસ્પર વિશ્વાસ, સદ્દભાવના બગડવા ન જોઈએ એવી એમની ચિંતામાં પણ હું સાથ પૂરાવું છું અને ગ્યાસુદ્દીન શેખને અભિનંદન પાઠવું છું કે તેમણે સાચી વાત રજૂ કરી છે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સીએએના કારણે ભાઈચારો કે સદભાવના બગડશે નહિ અને એનઆરસી એ પાર્લામેન્ટ નક્કી કરશે એટલે એના વિશે મારે કાંઈ કહેવું નથી.
મુખ્યમંત્રીશ્રીને જવાબ આપતાં ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ પાસે દોઢસો દેશો છે તે મુસ્લિમ સમાજને દોઢસો દેશો સાથે કોઈ લેવા દેવા નથી. હા, એ વાત જરૂર છે કે મક્કા છે, મદિના છે એ અમારી આસ્થાના પ્રતીક છે તેની સાથે લેવા-દેવા છે પણ અન્ય દેશો સાથે અમારે મુસ્લિમ સમાજને કોઈ લેવા દેવા નથી. ભારતમાં વસતો મુસ્લિમ સમાજ ઈચ્છતો હોત તો પાકિસ્તાન જઈ શકયો હોત પરંતુ અમે એવું નથી કર્યું કેમ કે અમે પૂજય ગાંધીજીની વાતને માની છે અને ઝીણાને લલકાર્યા છે, ઝીણાની વાતને ધુતકારી છે, અમે ઝીણાની વાતમાં આવ્યા નથી. અમે આ દેશની માટીને ગળે લગાવી છે એટલે દેશ છોડીને અમે કયારે જવાના નથી, આ દેશની માટીમાં અમે મરવાના છીએ. દેશની આઝાદીમાં જેટલું યોગદાન અન્ય સમાજોનું છે તેટલું યોગદાન અમારું પણ છે. સાથેસાથે સાડા છ કરોડ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યારે આપણા વાણી અને વર્તનથી એવી કોઈ વાત ન ફેલાવીએ જેનાથી ગુજરાતની શાંતિ હણાય, જેનાથી એકબીજાને દુઃખ થાય, જેનાથી કોઈને એવો ભાવ થાય કે અમારી અવમાનના થાય છે. આટલું કરીએ તો પણ ગુજરાતના નાગરીકોની મોટી સેવા કરી ગણાશે.